Sunday, March 18, 2018

ઉનાળો આવ્યો... બાપ રે બાપ...

આજ ના આધુનિક યુગમાં આપણાં જીવનમાં સુખ-સગવડ વધવાથી અને પ્રકૃતિ અને આપણાં વચ્ચેનું અંતર વધવાને કારણે ઉપરોક્ત શીર્ષક "ઉનાળો આવ્યો, બાપ રે બાપ..." અમોને ઘણું ઉચિત જણાયું. પરંતુ વાચક મિત્રોને વિનંતી કે આ લેખ ખૂબ જ સરળ રીતે અને વિશિષ્ટ માહિતીથી વિશદ વિવરણ સાથેનો છે. આ વાતોને વાંચી, સમજી અને મનન કરી નાના-નાના પગલાના સ્વરૂપે જીવનમાં જોડી તો ઉનાળો તો ઠીક, ચોમાસામાં પણ "સ્વાસ્થ્ય" જાળવણીની અગાઉથી ગેરંટી છે. તો ચાલો ઉનાળાની યાત્રાએ...



હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સૌ સ્વાસ્થ્યપ્રેમી મિત્રોને વિદિત થાય કે, જેમ કારતક મહિના ના પ્રથમ દિવસને નવ-વર્ષની શરૂઆતનો દિવસ ગણવામાં આવે છે અને તે દિવસથી તેલ ની માલિશ અને સ્નિગ્ધતા વધારનારા ગુણ ધરાવતા ખોરાક આરોગવાની અને તંદુરસ્ત બનવાની પરંપરા છે. ઠીક એવી જ રીતે ચૈત્ર મહિનાનો પ્રથમ દિવસ પણ નવ-વર્ષ તરીકે મહારાષ્ટ્રમાં ગુડીપડવાના નામે ઉજવાય છે.

ઋતુરાજ વસંતનું આગમન ઉજવવાનું આ આપણી પુરાતન સંસ્કૃતિનું આગવું પાસું છે. આ વધામણાં પછી તરત જ ગ્રીષ્મ ઋતુની પણ શરૂઆત થઈ જશે એટલે ગરમીના લીધે થનારા રોગો જેમ કે અજીર્ણ, મરડો, કોલેરા, શીળસ, ટાઇફોઇડ અને પિત્તદોષના વધારાના લીધે થનારા લોહીવિકારના રોગોને મટાડવા માટે અમુક તહેવારો સાથે અમુક ખાન-પાન, અમુક રેસીપી (ભોજન-પ્રણાલિકા) અને અમુક રીતિ-રિવાજોની શરૂઆત કરવામાં આવેલી. જે સમયની ગતિ સાથે ભૂલાતી જાય છે.



આ ઋતુમાં આપણે શું-શું ખાવું જોઇએ અને શું-શું ન ખાવું જોઇએ તથા કેવી કાળજી લેવી એ વિષયે પણ વાત કરીશું. ગરમીને દૂર કરવા માટે કડવી, તૂરી અને ઠંડક આપે એવી વસ્તુઓ ખાવી જોઇએ. કડવું અને તૂરું શામાટે? કારણ કે એવા રસો પિત્તનું શોધન અને શમન કરે છે. આમ જોઇએ તો આપણાં બધા રિવાજો પ્રમાણે ચૈત્રની શરૂઆત થી જ લીમડો અને એના પંચાંગનો ઉપભોગ બહુ મહત્વપૂર્ણ બતાવાયો છે. શરીરમાં ગજબની ઠંડક પ્રદાન કરનારો લીમડાનો સ્વરસ તાવ સામે આખું વર્ષ રક્ષણ આપે છે.



શિયાળામાં અને તે પછી ખાસ કરીને વસંતઋતુમાં અનેક લોકોના શરીરમાં કફ ભેગો (સંચિત) થતો હોય છે. કફનો આ પ્રકોપ ચૈત્ર માસમાં પીંગળવા લાગે છે અને પિત્ત વધી જાય છે. કફમાંથી પરિવર્તિત થયેલું પિત્ત આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક પુરવાર થાય છે. શરીર નબળું પાડવા માંડે છે અને તાવની અસર થતાં રોગપ્રતિકારક શકિત ઘટવા લાગે છે. જેને અટકાવવા કફ અને પિત્ત એમ બંનેને સંતુલિત કરવા પડે છે. તે ઉદ્દેશથી લીમડાના કુણા-કુણા પાંદડા અને તેના મોર(ફૂલ)નો રસ અક્સીર ઇલાજ સાબિત થાય છે. ચૈત્ર માસના પ્રથમ દિવસથી તેનું સેવન અત્યંત લાભદાયી અને આરોગ્યપ્રદ છે.



લીમડાના કુણા-કુણા પાંદડા અને તેના ફૂલ-મોરને વાટીને રસ કાઢવામાં આવે છે તે રસમાં મરી, હીંગ, સિંઘવ, જીરૂ, અજમો અને ગોળનું મિશ્રણ કરવાનું હોય છે. આ રસ નિયમિત રૂપે થોડો સમય પીવાથી ફેંફસામાં જમા થયેલો કફ ધીરે-ધીરે ઓછો થતો જાય છે અને ઉત્તરોત્તર પિત્તનો નાશ થઇ બંને દોષ સંતુલિત થઈ જાય છે. આ રસ આખો ચૈત્ર માસ પણ લઇ શકાય છે.

તમને જાણીને ખરેખર નવાઈ લાગશે કે ઉનાળા માં ગરમી પડે અને એટલે શરીરને પાણીની જરૂર પડે. અને હા એ "પાણી" જ ઉનાળા ની સૌથી શ્રેષ્ઠ ઔષધિ છે એમાં કોઈને ય શંકા નહીં હોય. આ વાતને ધ્યાનમાં રાખી ચૈત્રમાં અને ઉનાળાના કપરા સમયમાં બધાને આસાનીથી પાણી મળી રહે અને વટેમાર્ગુઓને પણ પાણી સરળતાથી મળી રહે એ હેતુથી પિતૃઓને પાણી પાવાનું અને પિતૃ માટે પાણી દાન કરવાનો અને સ્વજનોના નામે પાણીનું પરબ બનાવી દેવાની પરંપરા આપણાં વડીલોએ શરૂ કરેલી અને પેઢીઓ સુધી જાળવી જે આજે પાણીના પાઉચ અને બોટલના ગ્રહણથી ભાંગી પડી છે. આવી પરબો મોટે ભાગે વટેમાર્ગુઓના લાભાર્થે લીમડા, વડલા કે પીપળાના ઘટાદાર વૃક્ષના આચ્છાદનમાં બનતી જ્યાં આશરો ને હાશકારો બેય મળતા. વડલાને અને પીપળાને ય પાણી પીવડાવી ને તાજા-માજા કરી દેવામાં આવતા કે જેનાથી થોડીક શીતળતા વાતાવરણમાં પણ વધે. આજના માત્ર પૈસા લક્ષી દોડમાં આ બધુ ખોવાતું જાય છે. આપણી ભાવિ પેઢી માટે તો આ વાતો માત્ર એક પરિકલ્પના જેવી જ લાગશે એમાં કોઈ બેમત નથી.

બીજી પણ એક વાત જાણી લો... ઉનાળામાં મીઠાનું વધુ પડતું સેવન આરોગ્યને અહિતકર છે અને વધુ પ્રમાણમાં મીઠું (નમક) લેવાથી ઘણી બધી તકલીફો ઉદભવે છે. એટલે ઉનાળામાં વધારે નમક ન ખાવું જોઇએ એ માટે આ મહિનામાં આપણા વડીલો એ ઓખાહરણનો મહિમા ગાયો કે ઓખા મીટમાં ઓગળી ગઈ ને પછી એનું પ્રાયશ્ચિત થયું ને બધુ સમુસૂતરું થયું. આમ કથાના માધ્યમથી અલૂણાં વ્રત રાખ્યું ને રખાવ્યું જેનાથી આ સમય દરમિયાન આપણે નમકથી દૂર રહીએ અને ઓછું ખાઈએ અને સ્વસ્થ રહીએ. મીઠું પોતાની ગરમીથી વસ્તુને જલ્દી પકવે કારણ કે નમક ઉષ્ણ પ્રકૃતિ ધરાવે છે, તો એ ગરમીવાળું નમક ઉનાળામાં (જ્યાં વાતાવરણ પણ ગરમ હોય) ત્યારે આપણે ખાઈએ તો શરીરની શું હાલત થાય??? એ સમજવું સારું...



ઉનાળામાં દરરોજ લઈ શકાય એવી અમુક ઔષધિઓનું નિરૂપણ અહી કરીએ છીએ: (સ્વસ્થ હોવા પર આ ઔષધીઓ લેવી, કોઇ શારીરિક પીડા ભોગવતા હોઈએ તો કોઈ સારા આયુર્વેદાચાર્યની સલાહ-સૂચન લેવા અથવા અભિક્ષણા આયુર્વેદિક હોસ્પિટલનો સંપર્ક કરવો.)

1. જેઠીમધ અર્ધી ચમચી અને એક ચમચી આમળા પાવડર હૂંફાળા પાણી સાથે સવારે લઈ શકાય. આ સંયોજન શરીરને કુદરતી રીતે શાતા બક્ષશે.

2. દૂધી નું જ્યુસ રોજ એક કપ થી લઈ એક ગ્લાસ જેટલું પી શકાય. દૂધીના ક્ષારીય ગુણો શરીરને સંતુલિત રાખવામા અને પાણીનું સ્તર જાળવવામાં આશીર્વાદ રૂપ પુરવાર થશે.

3. રોજ રાત્રે કાળી દ્રાક્ષ અને વરિયાળી પલાળી સવારે પી જવું.

આખા ઉનાળા દરમિયાન કરી શકાય એવા નિર્દોષ આ ઉપચાર છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સભા, સ્વાસ્થ્ય સપ્તાહ, અનુવેધ અને પુનર્વિન્યાસ ના કાર્યક્રમોમાં સ્વાસ્થ્ય ઋષિ શ્રી કૌશિકજીના મુખેથી ઝરતી સ્વાસ્થ્યગંગાનો અભિષેક પણ હજારો લોકોને હૈયે શીતળતા અર્પે છે. જેની અમુક ઝંખીઓ...









ક્રમશઃ...

No comments:

Post a Comment